ટૂરિઝમની વૈશ્વિક મંદી અલંગને ફળી, પહેલીવાર 8 વૈભવી પેસેન્જર શિપ્સ ભંગાણ માટે આવશે, મોંઘીદાટ ચીજો ભંગારના ભાવે મળતી થશે

ટૂરિઝમની વૈશ્વિક મંદી અલંગને ફળી, પહેલીવાર 8 વૈભવી પેસેન્જર શિપ્સ ભંગાણ માટે આવશે, મોંઘીદાટ ચીજો ભંગારના ભાવે મળતી થશે

દુનિયાભરમાં જહાજોના કબ્રસ્તાન તરીકે ઓળખાતા ગુજરાતના ભાવનગર જિલ્લાનું અલંગ શિપબ્રેકિંગ હાલમાં ફરી ચર્ચામાં આવ્યું છે. સામાન્ય રીતે અલંગમાં કાર્ગો શિપ ભંગાણ માટે આવે છે અને વર્ષે કદાચ એક કે બે પેસેન્જર જહાજો સ્ક્રેપ થવા માટે આવતાં હોય છે, પરંતુ લગભગ 10 વર્ષ બાદ ફરી આ વર્ષે કોરોનાને કારણે આવેલી મંદીમાં ટૂરિઝમ સેક્ટરની મંદીનો ફાયદો શિપબ્રેકર્સને થઈ રહ્યો છે. શિપબ્રેકિંગ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 5 ક્રૂઝ લાઈનરના સોદા થઇ ચૂક્યા છે, જેમાંથી 3 હાલમાં ડોક પર ભંગાણ માટે આવી છે. મંદીનો માહોલ જોતાં હજુ વધુ 3થી 4 લક્ઝરી ક્રૂઝના સોદા થવાની શક્યતા છે. એને લીધે કારપેટ, ઝુમ્મર, ટીવી, ઓડિયો સિસ્ટમ, હોમ થિયેટર, કિચન એપ્લાયન્સીસ જેવી અનેક મોંઘીદાટ, બ્રાન્ડેડ અને વૈભવી ચીજવસ્તુઓ અલંગ બજારમાં સાવ સસ્તા ભાવે વેચાતી થશે એવી શક્યતા પણ ઊભી થઈ છે.

પહેલીવાર 8 જેટલી ક્રૂઝ શિપ ભંગાણ માટે આવશે
શિપ રી-સાઈક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું હતું કે આવું પહેલીવાર થશે કે આટલા મોટા પ્રમાણમાં ક્રૂઝ શિપ ભંગાણ માટે અલંગમાં આવી રહી છે. સામાન્ય રીતે એક કે બે ક્રૂઝ શિપ ભંગાણ માટે આવતી હતી, એની સામે ચાલુ નાણાકીય વર્ષમાં 8 જેટલાં વધુ શિપ આવવાની સંભાવના છે. આમાંથી પાંચ ક્રૂઝ તો ઓલરેડી આવી ચૂકી છે. આનું કારણ જણાવતાં પરમારે કહ્યું હતું કે કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ટૂરિઝમ સેક્ટરની હાલત ખરાબ છે. અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ખાલી પડ્યાં છે. આને કારણે ક્રૂઝનો બિઝનેસ ડાઉન છે. અમેરિકા અને યુરોપમાં પેસેન્જર લાઈન્સ નકામી પડી છે અને ક્રૂઝ ઓપરેટર્સ નાદારી નોંધાવી રહ્યા છે. એને કારણે ત્યાંની બેંકો બહોળા પ્રમાણમાં આવી ક્રૂઝનું ઓક્શન કરી રહી છે અને ભારત એના સારા ભાવ આપે છે.

20-60 વર્ષ જૂની શિપ્સ આવી
શિપ રી-સાઈક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ જણાવ્યું હતું કે અલંગમાં જે શિપ્સ રી-સાઈક્લિંગ માટે આવી છે એ 20 વર્ષથી લઈને 60 વર્ષ જૂની છે. મંદીને કારણે ઓપરેટર્સ અત્યારે તો એને વેચી રહ્યા છે, એટલે અલંગમાં વીતેલાં વર્ષોની તુલનામાં ત્રણ ગણી વધુ પેસેન્જર શિપ્સ આવી છે. ટૂરિઝમ સેક્ટર ફરી સામાન્ય બનશે તો શક્ય છે કે આટલા પ્રમાણમાં પેસેન્જર શિપ ન પણ આવે. ઓવરઓલ સપ્ટેમ્બર-ઓક્ટોબરની તુલનામાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં વધુ જહાજો આવ્યાં છે.

દિવાળી પછીથી ક્રૂઝ લાઇનર આવવાના શરૂ થયા
ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, ગ્લોબલી ઘણી ક્રૂઝ વપરાશમાં નથી અને આ વર્ષે દિવાળી પછી તેનાં વેચાણનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં અલંગમાં લાવવા માટે સૌથી પહેલો સોદો નવેમ્બરમાં થયો હતો અને ત્યાર બાદ પાંચ શિપ્સના સોદા થયા છે. આવતા માર્ચ સુધીમાં વધુ 3 ક્રૂઝ શિપ્સ માટે ડીલ થઇ શકે છે તેમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે.

અલંગને મંદીનો લાભ મળી રહ્યો છે
આતમ મનોહર શિપબ્રેકર્સ પ્રાઈવેટ લિમિટેડના કિશોર બંસલે જણાવ્યું હતું કે, 2020માં કોરોનાને કારણે ટૂરિઝમ સેક્ટરમાં આવેલી મંદીને કારણે ઘણી પેસેન્જર ક્રૂઝ લાઈનર ખાલી પડી છે. પડી રહેલી ક્રૂઝનું મેઈન્ટેનન્સ માલિકો માટે બહુ જ ખર્ચાળ નીવડતું હોય છે, એટલે જ અમેરિકા અને યુરોપના દેશોમાંથી તેનું વેચાણ થઇ રહ્યું છે. અમે જર્મનીથી એમએસ માર્કો પોલો (MS Marco Polo)ની ખરીદ કરી છે અને ટૂંક સમયમાં તેને તોડવાની કામગીરી શરુ કરવામાં આવશે. આ જહાજનું વજન 14500 ટન છે. વૈશ્વિક મંદીના લીધે પેસેન્જર લાઈનર સસ્તા ભાવે વેચાઈ રહી છે જેનો ફાયદો અલંગના શિપબ્રેકર્સને થઇ રહ્યો છે.

એક ક્રૂઝ શિપની કિંમત રૂ. 100 કરોડ આસપાસ
શિપબ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે, લક્ઝરી ક્રૂઝ શિપનું વજન 14000થી લઇને 32000 ટન હોય છે અને ઓકશનમાં તેની કિમત રૂ. 100 કરોડની આસપાસ આંકવામાં આવે છે. આવી શિપ ફૂલ લોડેડ હોય છે એટલે કે તેની અંદર ફર્નિચર, ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, સજાવટનો સામાન સહિતની ઘણી વસ્તુઓ હોય છે, જેના કારણે શિપબ્રેકર્સ આવી ક્રૂઝ ખરીદવાનું જોખમ લેતા હોય છે.

ક્રૂઝમાં કન્ઝયુમેબલ વસ્તુઓ ઘણી મળે છે
નાણાકીય વર્ષ 20120-21માં સૌથી પહેલી ક્રૂઝ ખરીદનાર શ્રીરામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે અમે અંદાજે રૂ. 80 કરોડમાં જલેશ ક્રૂઝની કર્ણિકા પેસેન્જર લાઈનર ખરીદી હતી. આ કંપની ડિફોલ્ટ થતાં મુંબઈ હાઈકોર્ટે તેની હરાજી કરવાનો હુકમ કરેલો. મંદીના કારણે જલેશ ક્રૂઝે કર્ણિકાનો વપરાશ બંધ કર્યો હતો. ક્રૂઝ ખરીદીમાં ફાયદો એ છે કે તેમાં સ્ટીલની સાથે કન્ઝુમેબલ વસ્તુઓ, જેમ કે રસોડાનો સમાન, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ફર્નિચર સહિતની વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં હોય છે. અલંગમાં પાછલાં અમુક વર્ષોમાં ઘણા ડેવલપમેન્ટ થયા છે. ભારત અને ગુજરાત સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કામ્પ્લાયંસ અંગે ઘણી એક્ટિવ છે, એ જોતાં ખાસ કરીને યુરોપના દેશોમાંથી હવે વધુ શિપ્સ આવે તેવી આશા છે.

આ સ્થિતિ થોડા સમય સુધી જ રહેશે
ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે સામાન્ય સંજોગોની સરખામણીએ હાલમાં ક્રૂઝ શિપ્સ અથવા પેસેન્જર લાઈનર ભંગાણ માટે વધુ આવી રહી છે. જોકે આ સ્થિતિ સતત જળવાશે એવું કહી શકાય નહિ. હાલમાં ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર્સમાં કોરોનાને કારણે મંદીનો માહોલ છે અને તેના લીધે ઓપરેટર્સ જૂની શિપ્સ ભંગારમાં વેચી રહ્યા છે. વેક્સિનેશન પછી વૈશ્વિક સ્તરે સ્થિતિ સામાન્ય બનશે ત્યારે ક્રૂઝ ફરી વપરાશમાં આવશે. તે સંજોગોમાં સ્ક્રેપ માટે વેચાણ ઘટી શકે છે.

અલંગમાં કોઈ રોકાણ કરવા તૈયાર ન હતું
ગુજરાત સરકારે અલંગ શિપબ્રેકિંગ યાર્ડની શરૂઆત 1980માં કરી હતી. એ સમયે રોકાણકારોને શંકા હતી કે અહીં રોકાણ કરીશું તો સફળતા મળશે કે નહીં? ભારત સરકારના પ્રયાસોથી 1983ની સાલમાં પહેલું શિપ અલંગ ભંગાવવા માટે આવ્યું હતું, જેનું નામ એમ.વી.કોટા હતું. ગુજરાતમાં શિપબ્રેકિંગ ઉદ્યોગની શરૂઆત થઇ ત્યારે માત્ર 13 કામદારો હતા. એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, હાલમાં આ ઉદ્યોગ અંદાજે 20,000 મજૂરોને રોજગારી આપે છે. દર વર્ષે અલંગમાં આશરે 250 જેટલાં જહાજો ભંગાણ માટે આવે છે. આમાંના મોટા ભાગનાં કાર્ગો જહાજ હોય છે.

Source: www.divyabhaskar.co.in

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment